યુવા સ્વાધ્યાય - મોંઘી મહત્વાકાંક્ષા - The Cost of Ambition - Yuva Swadhyay

IMG_20190810_220112372-001.jpg

યુવા મુમુક્ષુઓ પ્રેરિત અને પ્રોત્સાહિત થાય અને તેમનું વ્યાવહારિક જીવન સંપૂર્ણપણે આધ્યાત્મિક બને, એ હેતુથી દર યુવા સ્વાધ્યાયમાં, પરમ પૂજ્ય ભાઈશ્રી વિશેષ પ્રકારનો ઉત્તમ બોધ આપતા હોય છે.

શનિવાર તારીખ ૧૦મી ઓગસ્ટના રોજ, ડોક્ટર સુહાસિનીબેન તેમજ ડોક્ટર જીતુભાઈના ઘરે રાત્રે ૦૮.૩૦ થી ૧૦.૦૦ ના સ્વાધ્યાયમાં, પ્રજ્ઞાશીલ ભાઇશ્રીએ "મોંઘી મહત્વાકાંક્ષા" વિષય ઉપર બોધ આપ્યો હતો.    

મહત્વાકાંક્ષા એટલે અસાધારણ ઈચ્છા, એવી ઈચ્છા, અભિલાષા કે મનોરથ, જેનું માહાત્મ્ય આપણા મનમાં ખૂબ વેદાતું હોય. તે પ્રાપ્ત કરવાની એવી અદમ્ય ઈચ્છા જાગે કે, એ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય બની જાય. એ લક્ષ્ય માટે સમગ્ર જીવન સમર્પિત કરી દઈયે.

સુખી થવું એ મનુષ્યની તમામ ઈચ્છાઓ પાછળનો હેતુ છે. મોટા ભાગના મનુષ્યો સંસારી સુખને જ ઇચ્છતા હોય છે, જેવા કે લૌકિક સમૃધ્ધિ, યુવાન અને દેખાવડા રહેવું, નિરોગી શરીર, સુંદર અને યોગ્ય જીવનસાથી, બાળકોનું ઉચ્ચતર શિક્ષણ અને ભૌતિક કમાણી. મુમુક્ષુઓના કલ્યાણમિત્ર છે એવા ભાઈશ્રીએ ગંભીરતા સાથે યુવાનોને ચેતવતા કહ્યું કે આ મનુષ્યભવમાં માત્ર મોક્ષની ઈચ્છા રાખી, કર્મોથી મુક્ત થવાની ભાવના ભાવી પવિત્ર જીવન જીવવાનું છે. સ્વાધ્યાય દરમ્યાન અનેક દાખલા અને પ્રસંગોની વાત કરતા, સ્વાધ્યાયનો સાર જેમાં સમાઈ જાય એવા મુખ્ય મુદ્દાઓ નીચે  બતાવ્યા પ્રમાણે તેમણે જણાવ્યા:

૧) જીવ, જગત અને જીવનનો વિચાર કરી મુક્ત થવાની પ્રબળ ભાવના કરવી. 

૨) યાદ રાખવું કે ઈચ્છા એ વરદાન અથવા તો અભિશાપ બંને બની શકે એમ છે માટે દરેક ઈચ્છા અને મહત્વકાંક્ષાને તપાસી જવી. મહત્વકાંક્ષા શુદ્ધ હોવી જોઈએ.     

૩) આપણી શક્તિઓને માપીને સાહસ કરવું.

૪) મહત્વકાંક્ષા એ મોંઘી છે,  સસ્તી નથી માટે અનેક બલિદાનો આપવા પડશે અને ખૂબ મહેનત કરવી પડશે.

૫) એક વાર લક્ષ્ય નક્કી કર્યા પછી આપણી તમામ શક્તિઓને તેમાં જોડી દેવી. 

૬) સમયનો સદુપયોગ કરી જીવન નિયમિત બનાવવું, સમયને શ્રમથી ભરી દેવું.

૭) પરવસ્તુ મેળવવામાં જીવનનું સાફલ્ય નથી, પુદ્દગલનું, જડવસ્તુઓનું મમત્વ છોડી, આત્મકેંદ્રિત જીવન જીવવામાં સાચી સફળતા રહી છે.      

૮) મનની તાલીમ એ ખુબ અગત્યનો મુદ્દો છે, કારણ કેળવાયેલું મન જ મહત્વાકાંક્ષાને આંબી શકે છે.

૯) મનુષ્ય ભવમાં પ્રાપ્ત થયેલી અમૂલ્ય તકોનો સદુપયોગ કરી લેવો.

૧૦) ઓછી રુચિ તેમજ આળસ અને પ્રમાદને કારણે આપણે યોગ્ય પુરુષાર્થ નથી કરી શકતા.

૧૧) ચાર કષાયોમાં, માયાએ આખા જગતને કેદ કરેલ છે. સારા દેખાવા માટે નહીં પણ અંતરથી સારા થવા પુરુષાર્થ કરવો અને યાદ રાખવું કે કીર્તિ અને કાર્યમાં ભેળસેળ ન થાય.  

૧૨)  સંસ્કાર વર્ધક અને લોકોના દુઃખ દૂર કરવાના ધ્યેયે જીવન જીવવું.

૧૩) જીવન સ્વયં તપશ્ચર્યા છે, સમર્પણ નિષ્ઠા અને સાધના દ્વારા આત્મસાક્ષાત્કાર સિદ્ધ થઇ શકે છે.

સ્વાધ્યાય પછી મીનળબહેન તેમજ સુહાસિનીબહેને પરમ પૂજ્ય ભાઈશ્રી તેમજ વિક્રમભાઈને, ભક્તિ અને પ્રેમના પ્રતીક સ્વરૂપે રાખડી બાંધી હતી. 

IMG-20190810-WA0017.jpg
IMG_20190810_220155634.jpg
IMG_20190810_220355754.jpg

જોગાનુજોગ, આવતી ૧૫ ઓગસ્ટ ૨૦૧૯  એ ભારતનો સ્વાતંત્ર્ય દિન તો છે પણ સાથોસાથ તે જ દિવસે નારીયેળી પૂર્ણિમા એટલેકે રક્ષા બંધનનો દિવસ પણ છે. તે દિવસને ધ્યાનમાં રાખી મીનળબહેને સ્વરચિત અંગ્રેજી કવિતા વાંચી હતી. જેનો સાર એ હતો કે એક બંધન એવું છે જે મુક્તિ અપાવે છે ― તે છે સદ્દગુરૂ સાથેનો શિષ્યનો સંબંધ.  

મોંઘી મહત્વાકાંક્ષાનો અર્થપૂર્ણ બોધનો  પ્રકાશ, આપણા જીવનમાં અજવાળા પાથરે એજ પ્રભુ પ્રાથના.

IMG_20190810_220402950.jpg